શહેરમાં સોમવારે સાંજે 6થી 6:30 વાગ્યા દરમિયાન 80 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં 45થી વધુ વાહનો દબાયાં હતાં. વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવાર દંપતી સહિત 7 લોકોનું પોલીસ-ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું હતું. બીજી તરફ સુભાનપુરામાં વાયર તૂટી ગયો હતો. જેમાં કરંટ લાગતાં 55 વર્ષિય જીતેષ મોરે અને એક શ્વાનનું મોત થયું હતું.
જ્યારે લાલબાગ તરફ જતા બસના કંડક્ટર પર્બત ડાંગરનું કરંટ લાગવાથી અને સોમા તળાવ દર્શનમ કોમ્પ્લેક્સ પાસે રિક્ષા પર હોર્ડિંગ પડતાં 53 વર્ષિય ગિરીશ ચૌરેનું મોત થયું હતું. 7 લોકોને ઇજા પહોંચી હતી. ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા 127 વીજ ફીડર બંધ થતાં અંધારપટ થઈ ગયો હતો.
જ્યારે શહેરમાં વીજળીના કડાકા સાથે 30 મિમી વરસાદ વરસ્યો હતો.શહેરમાં સાંજે અડધો કલાક ફૂંકાયેલા 70 થી 80 કિમીના પવનોથી વાતાવરણ ધૂળિયું થતાં વિઝિબિલિટી ઝીરો થઈ હતી. જેને પગલે ઓફિસથી ઘરે જતા લોકોએ ઝીરો વિઝિબિલિટીથી વાહનો પાર્ક કરી દુકાન, શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ સહિતના સ્થળે આશરો લેવો પડ્યો હતો.