બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની ભવ્ય જીતે ગુજરાતમાં ઉજવણીનો માહોલ ફેલાવી દીધો છે. સુરત અને અમદાવાદના ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, મોઢું મીઠું કરાવીને 'ભારત માતા કી જય' અને 'મોદી હૈ તો મુમ્કિન હૈ'ના નારા લગાવીને જીતની ધામધૂમથી ઉજવણી કરી. બીજી તરફ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ મોબાઈલના ફ્લેશ ઓન કરીને સો.મીડિયા X પર ટ્વીટ કરીને લખ્યું - 'ફ્લેશ ઓન, લાલટેન ગોન'
કેન્દ્રીય મંત્રી અને બિહાર ચૂંટણીના સહ-પ્રભારી સી.આર. પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના 'ડબલ એન્જિન' વિકાસ રથે બિહારના લોકોને પ્રભાવિત કર્યા છે, જેના કારણે NDA 200+ સીટો પર આગળ છે અને નીતિશ કુમાર 10મી વાર CM બનશે. બિહારના લોકોએ મોદી-નીતિશના વિકાસ કાર્યોને પસંદગી આપી છે. ગુજરાતમાંથી 1,100 અને સુરતમાંથી 250 સમર્થકોએ બિહાર જઈને પરિશ્રમ કર્યો, જેણે વર્ચ્યુઅલ સંવાદથી પણ મદદ કરી. આ જીત તેમની છે. સુરત ભાજપ કાર્યાલયમાં ઉજવણીમાં પ્રેરક શાહ, મેયર, ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ અભિનંદન આપ્યા. મોઢું મીઠું કરાવીને 'હોળી-દિવાળી'ની ઉજવણી કરી.