સુરતમાં વધુ એક ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. ઉત્રાણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જુદી જુદી બે ઓફિસોમાં દરોડો પાડી ઢગલાબંધ માર્કશીટ જપ્ત કરી છે. છ સામે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં આરોપીઓ એક નકલી માર્કશીટ બનાવવા દીઠ 1.30 લાખ જેટલી રકમ વસૂલતા હતા. એટલું જ નહીં આરોપીઓ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા.
સુરત શહેર ડુપ્લિકેટ માર્કશીટ અને દસ્તાવેજી પુરાવા બનાવવા માટેનું એપી સેન્ટર બની રહ્યું હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. હજુ તો સુરતના સિંગણપુર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડની તપાસ પૂરી થઈ નથી. ત્યાં તો સુરતના ઉત્રાણ પોલીસે વધુ એક ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઉત્રાણ વિસ્તારમાંથી પોલીસે ગ્રીન પ્લાઝામાં આવેલી ટુરિઝમ અને વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં તેમજ સરથાણા જકાતનાકા રોયલ આર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.