વડોદરામાં મળસ્કે 4 કલાકે ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકોએ સોશિયલ મિડીયા પર ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બનાવના બદલામાં પાકિસ્તાન ઉપર શરૂ કરેલી એરસ્ટ્રાઇક જોઇ ભારતની કાર્યવાહીને બિરદાવતી કોમેન્ટ શરૂ કરી હતી.
ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો ધોધમાર વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોવાની માહિતી નોકરી ધંધાર્થે નીકળેલા લોકોએ આપી હતી. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે નોકરી ધંધાર્થે જનારા લોકોને રેઇનકોટ પહેરી જવાની ફરજ પડી હતી. વરસાદ શરૂ થતાં વહેલી સવારે દૂધ કેન્દ્રોના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. દૂધ કેન્દ્રોના સંચાલકોને છત્રી અને રેઇનકોટ સાથે દૂધ વિતરણ કરવાની ફરજ પડી હતી. તો વહેલી સવારે દૂધ લેવા જતાં લોકોને પણ તિજોરી-પટારાઓમાથી છત્રીઓ બહાર કાઢવાની ફરજ પડી હતી.
વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા આ ઉપરાંત વહેલી સવારે ન્યૂઝ પેપર વિરરણ કરતાં વિતરકોને પણ રેઇનકોટ પહેરીને જવું પડ્યું હતું. માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં વહેલી સવારે નોકરી -ધંધાર્થે નીકળનાર લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ભારે વરસાદને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અને ખંડેરાવ શાક માર્કેટમાં શાકભાજી, ફ્રૂટ, ફૂલો જેવી જથ્થાબંધ બજારમાં અસર જોવા મળી હતી.