પાકિસ્તાનમાં ભીષણ પૂરની સ્થિતિ હવે રાજકીય સમીકરણો પર અસર કરી રહી છે. એક પખવાડિયા પહેલાં સુધી પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફને હવે મોટી રાહત મળી છે. ગઠબંધન સરકારના સાથીદારોનો વિરોધ શાંત પડી ગયો છે. સહયોગી પીપીપીનો ઝરદારી પરિવાર અને જમાતના મૌલવી ફઝલ પીએમ શાહબાઝને દરેક પગલે ટેકો આપી રહ્યા છે. આઈએમએફએ પણ પાક.ની 12 હજાર કરોડ રૂપિયાની લાંબા સમયથી અટકી પડેલી લોન પણ મંજૂર કરી દીધી છે. બીજી બાજુ પૂરની સ્થિતિએ ઈમરાન ખાનની રાજકીય ઘેરાબંદી પર પાણી ફેરવી નાખ્યું. શરીફ સરકાર વિરુદ્ધ આંદોલનની જાહેરાત પાછી ખેંચવી પડી.
ભારતથી ટામેટાં-ડુંગળીની આયાતનો મામલો
પાકિસ્તાનમાં ટામેટાં 180 રૂ. અને ડુંગળી 145 રૂ. કિલોના ભાવે વેચાઈ રહી છે. પીએમ શાહબાઝ શરીફે ભારતથી આયાતનો સ્પષ્ટ ઈનકાર કરતા કહ્યું કે બંને દેશ વચ્ચે આયાત બહાલીથી પહેલા કાશ્મીર મુદ્દે ચર્ચા કરવી પડશે. બુધવારે નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આયાત મુદ્દે સ્પષ્ટ નિવેદન આપતા ખચકાયા હતા. તેમણે કહ્યું કે ભારતથી આયાત મુદ્દે ગઠબંધનના સહયોગીઓ સાથે ચર્ચા થઈ રહી છે. એક આંતરરાષ્ટ્રીય એજન્સીએ હાલ ભારતથી સામાન બાય રોડ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શરીફની પાર્ટીના જ વરિષ્ઠ નેતા મોહમ્મદ ઝુબૈરે કહ્યું કે ભારતથી સસ્તા ભાવે આયાત નહીં કરવી ગુના સમાન બાબત છે.