સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કરાયા બાદ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. પાંચ દિવસ પહેલા અપહરણ કરાયા બાદ અપહરણકારોએ પરિવારજનો પાસે ત્રણ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. અપહરણના ચાર દિવસ બાદ મીઠી ખાડી વિસ્તારમાંથી સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેની બે ટુકડામાં કોથળામાં પેક કરેલી લાશ મળી આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર પહોંચેલા મૃતકના પરિવારજનોમાં આક્રંદનો છવાયો હતો. મૃતકના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી નારાજગી વ્યકત કરી હતી.
સુરતમાં ચંદ્રભાન માતાપ્રસાદ દુબે નામના વ્યક્તિ સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને 12 મે 2025ના રોજ ચંદ્રભાન પોતાના રિક્ષા ડ્રાઇવર રાશિદ સાથે ગયા હતા અને ત્યારબાદ પરત આવ્યા ન હતા. 12 મેના રોજ રાત્રે 8 વાગ્યા બાદ ચંદ્રભાન ગુમ થયા હોવાના કારણે આ બાબતે પરિવારના સભ્યો દ્વારા અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મૃતકના મોબાઈલ પરથી ત્રણ કરોડની ખંડણી માગવામાં આવી હતી અલથાણ પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ અપહરણ બાદ ચંદ્રભાન દુબેના મોબાઈલ પરથી પરિવારના સભ્યો પાસેથી ત્રણ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવતી હતી. તો બીજી તરફ પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચંદ્રભાન દુબે છેલ્લે રાશિદ નામના રીક્ષા ચાલક સાથે ગયા હતા અને ત્યારબાદ તેઓ પરત આવ્યા નથી. બીજી તરફ રાસીદ અન્સારી નામના રીક્ષા ચાલક દ્વારા પરિવારના સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે, ચંદ્રભાન ખજોદ ચોકડી પર રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને ત્યારબાદ કયા ગયા છે તેની તેને ખબર નથી.