જેતપુરના ભોજાધાર વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે રાજકોટ એલસીબીએ દરોડો પાડ્યો હતો અને એમ્બ્યુલન્સના ચોર ખાનામાંથી 412 અંગ્રેજી દારૂની બોટલ તેમજ 210 નંગ બિયર ટીન મળીને કુલ 4,44,400ના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતાં. નોંધનીય છે કે એમ્બ્યુલન્સ પર રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આવું નેટવર્ક કેટલા સમયથી ચલાવતા હતા અને કોને દારૂ વેચતા હતા એ સહિતની વિગતો ઓકાવવા પૂછપરછ હાથ ધરી છે.
રાજકોટ એલસીબી જેતપુરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે શહેરના ભોજાધાર વિસ્તારમાં એક એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેર થઈ રહી છે. જેથી એલસીબી ભોજાધારના બાપાસીતારામ ચોકમાં પહોંચતા ત્યાં કારખાનાઓ પાસે ખુલ્લા મેદાનમાં એક શંકાસ્પદ એમ્બ્યુલન્સ પડી હતી જેમાં રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું.
જે એમ્બ્યુલન્સને તપાસતા તેમાં એક ચોરખાનું હતું જે ખોલી તપાસતા જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલ, ચપટા સહિત કુલ 412 બોટલ તેમજ 210 નંગ બિયરના ટીન નીકળી પડ્યા હતા જે મળી કુલ 4,44,400 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી દારૂની હેરફેર કરતા અજય ઉર્ફે એ.જે. મનસુખભાઇ કટારીયા રહે. ભાવનગર અને સુનીલ પરસોત્તમભાઈ ધાંધા રહે બાપુની વાડી જેતપુરની વાળાની ધરપકડ કરી ઉદ્યોગનગર પોલીસને હવાલે કર્યા હતાં.