મગફળીનું વાવેતર-ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થયું હોવા છતા સિઝનમાં લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવુ પડયું હતું. સિંગતેલ મોંઘું થતા અન્ય ખાદ્યતેલના ભાવ ઊંચકાયા હતા. જો કે આ ભાવ વધારાનો સિલસિલો સિઝન પુરી થયા બાદ પણ યથાવત રહ્યો છે જેથી કોઈ આર્થિક રાહત મળી નથી. મે માસની શરૂઆતમાં સિંગતેલનો ભાવ રૂ. 2900ની સપાટી કુદાવી ગયો હતો. ત્રણ દિવસમાં એટલે 3 મેથી 6 મે સુધી સીંગતેલ રૂ. 100 મોંઘું થયું અને અન્ય તેલમાં રૂ. 10થી લઈને રૂ. 60 સુધીનો ભાવ વધારો આવ્યો હતો.
જ્યારે 6 મે બાદ ખાદ્યતેલમાં ઘટાડાનું વલણ રહ્યું હતુ. પરંતુ આ ઘટાડો નજીવો રહ્યો હતો. સીંગતેલમાં 5 દિવસમાં રૂ. 100 વધ્યા હતા અને 6 દિવસમાં માત્ર રૂ. 35નો જ ઘટાડો આવ્યો છે. 3 મે ના રોજ સિંગતેલનો ભાવ રૂ. 2810 હતો ત્યારબાદ સતત તેજી રહી હતી.જેને કારણે 8 મેના રોજ સીંગતેલના ડબ્બાએ રૂ. 2900ની સપાટી કુદાવી હતી. જો કે ભાવવધારો બે દિવસ સુધી યથાવત રહ્યો હતો અને ત્યારબાદ શુક્રવારે તેલનો ભાવ રૂ. 2875નો થયો. આ ઉપરાંત કપાસિયા તેલમાં પણ સતત તેજી રહી હતી.
વેપારીઓના જણાવ્યાનુસાર તેલના ભાવમાં વધઘટનો આધાર સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળ પર છે. જો કે સૌરાષ્ટ્રમાં મગફળી એ સૌથી વધુ વાવેતર થાય છે.આમ છતાં ઘરઆંગણે સીંગતેલ મોંઘું થાય છે. હાલ ઉનાળાની આકરી ગરમી છે. ઉપરાંત કેરીની સિઝન હોવાને કારણે તેલમાં ડિમાન્ડ ઓછી રહે છે. જેને કારણે તેલના ભાવ ધટતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.