શહેરમાં રહેતા અને ઇમિગ્રેશનનું કામ કરતાં યુવકે પોતાના સહિત 22 લોકોના વર્ક પરમિટ અને વિઝા માટે રૂ.31 લાખ ચૂકવ્યા હતા. આ રકમ હડપ કરી ઉત્તરાખંડ અને દિલ્હીના શખ્સે વર્કપરમિટ અને વિઝા નહીં આપી ઠગાઇ કરી હતી.
જંક્શન વિસ્તારની ગાયકવાડીમાં રહેતા વારીસઅલી અયુબભાઇ સંધી (ઉ.વ.26)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉત્તરાખંડના કાશીપુરના મહમદ ઓવેઝ અને દિલ્હી જનકપુરીના અફલાક અહેમદના નામ આપ્યા હતા. વારીસઅલીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પાંચેક વર્ષથી એટલાસ ઇન્ટરનેશનલ ઇમિગ્રેશન નામે પેઢી ચલાવે છે અને વિદેશ જવા ઇચ્છુકો માટે વર્ક પરમિટ વિઝા આપવાનું કામ કરે છે.
દસેક મહિના પહેલા ઉત્તરાખંડના મહમદ અવોઝે ફોન કરી પોતે યુરોપની અનેક કન્ટ્રીનું વર્કપરમિટનું કામ કરે છે તેવી વાત કરી હતી અને બાદમાં મહમદ ઓવેઝ રાજકોટ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે પોતે જનકપુરી દિલ્હીના અફલાક અહેમદ સાથે વર્કપરમિટ વિઝાનું કામ કરે છે અને તેણે અફલાક સાથે વાત પણ કરાવી હતી, કામ પૂર્ણ થયા બાદ જ પૈસા આપવાના રહેશે તેવી પણ બંનેએ વાત કરી હતી.
વારીસઅલીએ સારા કમિશનની આશાએ બંને પરપ્રાંતીય સાથે કામ કરવાનું નક્કી કરી પોતાના તથા તેના અન્ય 20 કેન્ડિડેટના ડોક્યુમેન્ટ મહમદ ઓવેઝને મોકલી આપ્યા હતા, મહમદ ઓવેઝે થોડા દિવસમાં બધાની વર્કપરમિટ થઇ જશે તેમ કહ્યું હતું અને બાદમાં તમામના વિઝા મોકલી આપ્યા હતા અને રકમ ચૂકવવાનું કહેતા વારીસઅલીએ તમામ 22 લોકોના કુલ રૂ.31 લાખ મહમદ ઓવેઝને ચૂકવી આપ્યા હતા અને ઓવેઝે પણ તા.5 ડિસેમ્બર 2024ના તમામની ફલાઇટની ટિકિટ મોબાઇલમાં મોકલી આપી હતી અને મુંબઇ એરપોર્ટ પર પહોંચી જવા કહ્યું હતું.