આર્થિક, સામાજિક વિકાસ અને શિક્ષણ છતાં માણસના મનમાં વંશીય ભેદભાવની લાગણી અકબંધ રહે છે. આવી વિચારસરણી ન હોવાનો દાવો કરતા શ્વેત લોકોમાં આ લાગણી વધુ છે. એક સંશોધનમાં આ વાત પુરવાર થઇ છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને ટફ્ટ્સ યુનિવર્સિટીએ વંશીય લાગણી અંગે 60,000 લોકો પર 13 પ્રયોગો કર્યા હતા. જેમાં સામેલ 90% લોકોએ સ્વીકાર્યું કે ગોરો હોય કે અશ્વેત બધા માણસો છે.
જો કે અમેરિકા અને અન્ય દેશોના શ્વેત લોકોએ માણસ શબ્દનો અર્થ અન્ય જૂથોના લોકોની સરખામણીમાં માત્ર તેમના પોતાના જૂથ (ગોરાઓ) માટે જ કર્યો છે. તેનાથી વિપરિત, બ્લેક, એશિયન અને હિસ્પેનિક સહભાગીઓએ આવો કોઈ પૂર્વગ્રહ દર્શાવ્યો નથી. રિપોર્ટના મુખ્ય લેખક કર્સ્ટન મોરેહાઉસે કહ્યું, ‘સૌથી મોટી જાણકારી તો એ છે કે જે લાગણીઓ સદીઓથી આપણી આસપાસ રહી છે, આપણે હજુ પણ તેમાં એક નવી રીતે જોડાયેલા છીએ.’ રિસર્ચમાં ઇમ્પ્લિસિટ એસોસિયેશન ટેસ્ટ (આઈએટી)નો સહારો લેવામાં આવ્યો છે.
આ પરીક્ષણે એવું વલણ દર્શાવ્યું છે કે જેને લોકો સાર્વજનિક કરવા માંગતા નથી. તમામ પ્રયોગો દરમિયાન 61% શ્વેત સહભાગીઓએ અશ્વેત લોકોને પ્રાણીઓ સાથે જ્યારે શ્વેત લોકોને માણસો સાથે સાંકળ્યા છે. તો બીજી તરફ 69 ટકા લોકોએ શ્વેત લોકોને માણસ સાથે સાંકળ્યા છે.