દેશની જીડીપીમાં લઘુ, નાના તેમજ મધ્યમ ઉદ્યોગોનું યોગદાન આગામી કેટલાક વર્ષો દરમિયાન વધે તેવો અંદાજ છે. યુગ્રોના એક રિપોર્ટ અનુસાર દેશની જીડીપીમાં MSMEનો હિસ્સો અત્યારે 30% છે અને વર્ષ 2027 સુધીમાં તે વધીને 40%ની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર MSME 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.2018થી 2022 દરમિયાન MSMEનું દેશની જીડીપીમાં યોગદાન અંદાજે 29-30% હતું. વર્ષ 2027 સુધીમાં MSMEનું જીડીપીમાં યોગદાન વધીને 35-40%ની આસપાસ થવાનું અનુમાન છે. ગ્રોથ માટેનું એક કારણ ઉદ્યમ પોર્ટલ દ્વારા MSMEનું ઝડપી ઔપચારિકીકરણ છે. નાણાવર્ષ 2021માં લોન્ચ થયા બાદથી પોર્ટ પર પ્રત્યેક વર્ષે રજિસ્ટ્રેશનમાં બમણી ગતિએ વધારો થઇ રહ્યો છે.
ઔપચારિકીકરણની પ્રક્રિયાએ નાના બિઝનેસ માટે સરકારી પહેલ સુધીની પહોંચ વધુ સરળ બનાવી છે, જેમ કે આર્થિક સહયોગ, સબસિડી અને માર્કેટમાં વધુ તકો વગેરે. ઉદ્યમ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવતા મહિલા સંચાલિત MSMEની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દર પાંચ ઉદ્યમ રજિસ્ટર્ડ MSMEમાંથી એક મહિલા દ્વારા સંચાલિત છે અને દર પાંચમાંથી એક નોકરીના સર્જનમાં મહિલા સંચાલિત MSMEનું યોગદાન છે. જો કે, મહિલાના નેતૃત્વ હેઠળના MSME તેમના સ્પર્ધકો કરતાં નાના હોય છે અને રૂ.10ના રોકાણ અને ટર્નઓવરમાં તેમનો હિસ્સો માત્ર 1 રૂપિયો હોય છે.