શહેરમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને પકડી લેવાના પોલીસના અભિયાન દરમિયાન બેડી ચોકડી પાસેના મોરબી રોડ નજીક ગોપાલ રેસિડેન્સીમાં એક મકાનમાં નાના બાળકોને ગોંધી રાખી તેની પાસે શખ્સ મજૂરીકામ કરાવતો હોવાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમે મોડી રાત્રીના દરોડા પાડી એક શખ્સને પકડી લઇ તપાસ કરતાં 12થી 18 વર્ષના બાળકો પાસે શખ્સ મજૂરીકામ કરાવતો હોય પોલીસે શખ્સની પૂછતાછ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર ગોપાલ રેસિડેન્સીમાં એક મકાનમાં 20 બાળકને ગોંધી રાખ્યા હોવાની અને તેની પાસે બાળમજૂરી કામ કરાવતા હોવાની માહિતીને આધારે ક્રાઇમ એસીપી બસિયા તેમજ એસઓજીની અને ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ મોડી રાત્રીના મોરબી રોડ પર આવેલ ગોપાલ રેસિડેન્સીમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસની તપાસમાં મકાનમાં ઇમિટશનની મજૂરી કામ કરતાં 12થી 18 વર્ષની ઉમરના 20 બાળકો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ છેલ્લા એક માસથી પોલીસે બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરીઓને પકડવા ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન બંગાળના બાળકો સાથે બાળ મજૂરી કરાવતો અજીત ઉલ્લા નામનો શખ્સ ગોપાલ રેસિડેન્સીમાં બાબુભાઇ ગોપાલભાઇ બાળાનું મકાન ભાડે રાખી અજીત ઉલ્લા નામનો શખ્સ બાળકો પાસે ઇમિટેશનની મજૂરી કામ કરાવતો હોવાનું બહાર આવતાં પોલીસે તમામ બાળકોને મેડિકલ તપાસ માટે હોસ્પિટલે ખસેડવાની કાર્યવાહી કરી છે. તેમજ બાળકો પાસે મજૂરી કામ કરાવતો અજીત ઉલ્લા સામે ગુનો નોંધવાની તેમજ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.