ઈઝરાયલે તેના એક સૈનિક ગિલાડ શાલિતને મુક્ત કરવા માટે 1027 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા હતા. આમાં કેદીનો નંબર 955266978 હતો, જે બે ઈઝરાયલી સૈનિકોની હત્યાના આરોપમાં 1988થી જેલમાં બંધ હતો. ઈઝરાયલે આ કેદીની મુક્તિને તેની સૌથી મોટી ભૂલ ગણાવી હતી.
આ કેદી બીજું કોઈ નહીં પણ હમાસનો સૌથી મોટો નેતા યાહ્યા સિનવાર હતો. તેની મુક્તિ પછી ઈઝરાયલે સિનવારની શોધ ફરી શરૂ કરી. જે 16 ઓક્ટોબર, 2024ના રોજ અચાનક સમાપ્ત થઈ ગઈ. આ બધું એક ચાંસના એન્કાઉન્ટરને કારણે થયું.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ડિવિઝન 162 અને 828 બિસ્લામક બ્રિગેડ રાફાના તાલ અલ-સુલતાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઈઝરાયલના સૈનિકે એક શંકાસ્પદ વ્યક્તિને ઈમારતમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકે તેના કમાન્ડરને જાણ કરી, ત્યાર બાદ બિલ્ડિંગને ઘેરી લેવા અને ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો.
થોડા સમય પછી, તેણે ડ્રોન દ્વારા જોયું કે ત્રણ લોકો તે બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે વ્યક્તિઓ પોતાની જાતને ચાદરથી ઢાંકીને આગળ ચાલી રહી હતી, જ્યારે ત્રીજી વ્યક્તિ પાછળ હતી.
ઈઝરાયલી સેનાએ ત્રણેય પર ફરીથી ગોળીબાર કર્યો, જેના કારણે તેઓ અલગ થઈ ગયા. બે લોકો એક બિલ્ડિંગમાં ગયા, જ્યારે ત્રીજો અન્ય બિલ્ડિંગમાં પ્રવેશ્યો. ઈઝરાયલી દળોએ તેને ઘેરી લીધો.
સૈનિકો બિલ્ડીંગની નજીક આવતા જ અંદરથી તેમના પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. આ પછી સૈનિકો પાછળ હટી ગયા. તેઓએ બિલ્ડિંગની અંદર ડ્રોન મોકલ્યું. ડ્રોને બિલ્ડિંગની અંદર સોફા પર બેઠેલા એક ઘાયલ વ્યક્તિને જોયો. તેનો ચહેરો સ્કાર્ફથી ઢંકાયેલો હતો.