સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કૌભાંડોની યુનિવર્સિટી બની ગઈ હોય એમ છેલ્લા એક વર્ષમાં ઢગલાબંધ કૌભાંડો અને ગેરરીતિઓ બહાર આવી છે. દિવ્ય ભાસ્કરે અત્યાર સુધીમાં માટી કૌભાંડ, ભરતી કૌભાંડ, ભલામણકાંડ, લોકલ ઇન્સ્પેક્શન કમિટીમાં ગેરરીતિ સહિતના અનેક કૌભાંડો ઉજાગર કર્યા છે. અત્યાર સુધી પૂર્વ કે વર્તમાન કુલપતિએ આ અંગે કોઈપણ પ્રકારના પગલાં કે તપાસ નહીં કરતા હવે આખરે સરકારે જુદા જુદા કૌભાંડો અને ગેરરીતિઓની તપાસના આદેશ આપ્યા છે.
તમામ મુદ્દાઓની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપાશે
આ માટે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે બે ક્લાસ-1 અધિકારીઓની નિમણૂક પણ કરી છે જે આગામી દિવસોમાં યુનિ.માં આવીને આ તમામ મુદ્દાઓની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપશે. સૌરાષ્ટ્ર યુનિ.માં છેલ્લા એક વર્ષમાં થયેલા માટી કૌભાંડ, ભરતી કૌભાંડ, સિન્ડિકેટ સભ્યોના ભલામણકાંડ, નેક ઇન્સ્પેક્શનમાં થયેલા 1 કરોડથી વધુના ખર્ચમાં કૌભાંડ, એલઆઈસીમાં ભ્રષ્ટાચાર સહિતની અનેક ગેરરીતિની તપાસ કરવા યુનિવર્સિટીએ પોતાના જ લાગતા વળગતાને રાખતા તેની પણ હવે ઉચ્ચ શિક્ષણ વિભાગ તપાસ કરાવશે.