રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે ઝરમર વરસાદ જ વરસતા છેલ્લા 24 કલાકમાં માત્ર એક ઇંચ વરસાદ જ નોંધાયો છે. જોકે આ સામાન્ય વરસાદમાં પણ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હોય તેમ શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી હતી.
આ દરમિયાન રાજકોટ શહેરના લોકોની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો થવાની શક્યતાના પગલે મનપાના ફાયર બ્રિગેડ વિભાગની ગાડી ત્યાં પહોંચી ગઈ હતી અને તેના મારફત એનાઉન્સમેન્ટ કરી આજીડેમ આસપાસના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં 24 કલાકમાં કોટડા સાંગાણી તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે લોધિકા અને જામકંડોરણા તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
શહેરમાં 24 કલાકમાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં 24 મીલીમીટર, વેસ્ટ ઝોનમાં 19 મિલિમિટર અને ઇસ્ટ ઝોનમાં 13 મીલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં માત્ર એક ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.જોકે રાજકોટના 20 લાખથી વધુ શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતા આજીડેમ ઓવરફ્લો થવાની શક્યતા હોવાથી આજીડેમ આસપાસ રહેતા લોકોને ફાયર બ્રિગેડ ન ગાડી દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. આજી - 1 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે હવે બાકી 10% ભરાઈ ગયા બાદ આ ડેમના દરવાજા ખોલવા પડશે.