રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીમાં કોર્ટે સરકારને રાજ્યભરની સ્કૂલોની સ્થિતિ અંગે તપાસ કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે સરકારે શુક્રવારે હાઇકોર્ટમાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં એવો ઘટસ્ફોટ કરાયો હતો કે,રાજ્યની કુલ 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસી નથી. જેમાંથી 3302 તો સરકારી સ્કૂલો હોવાનું સામે આવ્યું છે. જેની સામે 9563 સ્કૂલ પાસે ફાયર એનઓસી હોવાનું સામે આવ્યું છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ સરકારે એવી રજૂઆત કરી હતી કે,સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓને ફાયરના સાધનો નાખવા અને ફાયર એનઓસી મેળવવા એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.ખંડપીઠે એવી ટકોર કરી હતી કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રામભરોસે ભણી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે.