શંખેશ્વર તાલુકાનાં બિલીયા ગામથી મનવરપુરા કેનાલ પાસે ગઇકાલે શનિવારે સવારે સર્જાયેલા એક અકસ્માતમાં બે બાઇકો એકબીજા સાથે અથડાતાં એક બાઇક પર સવાર તેનાં ચાલકને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેમનાં મિત્રને ઇજા પહોંચી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ શંખેશ્વરનાં બિલીયા ગામે રહેતા દિનેશભાઇ માનુભાઇ નાડોદા તથા તેમનાં મિત્ર વિનોદભાઇ વશરામભાઇ રાઠોડ (નાડોદા) બંને જણા બાઇક લઇને બિલીયા ગામેથી સમી લોલાડા ગામે લગ્નપ્રસંગે જતા હતા. ત્યારે બિલીયાથી મનપુરા વચ્ચે કેનાલ રોડ ઉપર એક 407 ટ્રક જતી હોવાથી બાઇકનાં ચાલકે તેને ઓવરટેક કરી બાઇકને આગળ લઇ જતાં અચાનક ખાડો આવતાં બાઇક ધીમું કર્યું હતું. તે જ સમયે સામેથી રોડ ઉપર એક અન્ય બાઇક પણ પૂરઝડપે આવતાં દિનેશભાઇ અને વિનોદભાઇના બાઇકને જોરથી ટક્કર વાગી હતી. જેમાં બાઇક ચાલક વિનોદ રાઠોડને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું ને દિનેશભાઇને પણ પગે ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.