શહેરના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં 27 લોકોના મૃતદેહ મળ્યા હતા અને અડધો કોથળો માનવ અવશેષો પોલીસને હાથ લાગ્યા હતા. એ અડધો કોથળો માનવ અવશેષોની સોમવારે સામાજિક કાર્યકરે અંતિમ વિધિ કરી હતી. ગેમ ઝોનમાં 25મી મેની સાંજે લાગેલી આગમાં 27 લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. માનવસર્જિત આ દુર્ઘટનામાં જ્યારે ફાયર બ્રિગેડની ટીમે ગેમ ઝોનનો માંચડો દૂર કરવા જેસીબી ચલાવ્યું ત્યારે અડધો કોથળો માનવ અવશેષો મળી આવ્યા હતા. 27 મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરાવી પોલીસે તે તમામ 27 મૃતદેહ મૃતકોના પરિવારજનોને સોંપી દીધા હતા. અડધો કોથળો અવશેષો પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યા હતા. ઘટના બાદ અન્ય કોઇ લાપતા વ્યક્તિ અંગેની પૃચ્છા નહીં આવતાં પોલીસે તે તમામ અવશેષો બિનવારસી વ્યક્તિની અંતિમ વિધિ કરતાં સામાજિક કાર્યકર રમણીક પરમારને સોંપ્યા હતા અને પરમારે સોમવારે સાંજે તે તમામ અવશેષોની રામનાથપરા સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરી હતી.