નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ માટે એક ખુશ ખબર આવ્યા છે. સુરત ખાતેથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે તે પ્રકારની જાહેરાત કરી છે. આ સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોની ચીમકી પણ આપી છે કે, કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી. મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી. આ ગુજરાતની ધરતી પર, માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે. સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં, જિલ્લાઓમાં રાત-દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની-મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે આ પછી ખાણી-પીણીના સ્ટોલ ચલાવતા હોય છે. આ હજારો-લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે પણ ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.