રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીની જસદણના પારેવળા ગામની 14 વિઘા જમીન પર તે જમીન ભાગથી વાવતા ગામના જ ભાગિયાએ 16 વર્ષથી પચાવી પાડી રૂ.8.50 લાખની ખેતીની જમીન પર કબ્જો કરી લીધો છે. જે મામલે જમીનના માલિકે કલેકટરમાં અરજી કરતાં ભૂ-માફિયા સામે ફરીયાદ નોંધવા આદેશ કરાતા ભાડલા પોલીસે ભુમાફિયા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે શેરી નં-9માં રહેતાં મૂળ જસદણના પરેવળા ગામના વતની હિતેષભાઈ લાખાભાઈ આલગા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કેશુ લાલદાસ રામાવતનું નામ આપતાં ભાડલા પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, ખેતીકામ સાથે જમીન, મકાન લે-વેચનું કામ કરે છે. તેમના પિતા લાખાભાઈને તેઓ ચાર ભાઈઓ હતાં. તેઓની સંયુક્ત કુલ 230 વીઘા જેટલી જમીન પારેવાળા તથા બરવાળા ગામની સીમમાં આવેલ હતી. આશરે 40 વર્ષ પહેલા આ જમીનના ભાગ પડતા બરવાળા ગામની સીમના રેવન્યુ સર્વે નં.111 પૈકી 1ની આશરે 20 વીઘા જેટલી જમીન અને પારેવાળા ગામની સીમના રેવન્યુ સર્વે નં. 173 પૈકી 1ની હે.આરે.ચો.મી. 8-28-60 જે આશરે 51 વીઘા જેટલી જમીન તેમના પિતાના ભાગમાં આવેલ હતી.