સેક્ટોરલ અથવા થીમેટિક ફંડ્સે 5 વર્ષમાં 25% વાર્ષિક કમ્પાઉન્ડેડ રિટર્ન આપ્યું છે. આઇટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, એનર્જી તેમજ મેન્યુફેક્ચરિંગ ટૉપ પરફોર્મિંગ ફંડ્સમાં સામેલ છે. સેબીના નિયમો અનુસાર, થીમેટિક ફંડ્સ કોઇ એક સેક્ટરના શેરમાં ઓછામાં ઓછું 80% રોકાણ કરે છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) અનુસાર, દેશમાં અત્યારે 183 સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. સપ્ટેમ્બરમાં તેમાં રૂ.13,255 કરોડનું રોકાણ થયું હતું તેમજ કુલ AUM 4.67 લાખ કરોડ નોંધાઇ છે. જે ઇક્વિટી ફંડ્સની તમામ કેટેગરીમાં સૌથી વધુ છે. તેમાં ફ્લેક્સી કેપ, ELSSS, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મૉલ કેપ ફંડ સામેલ છે. બીજી તરફ સેબી દ્વારા આ સેગમેન્ટમાં વધી રહેલા રોકાણને લઇને વ્યક્ત કરવામાં આવેલી ચિંતા છતાં મિડ કેપ અને સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ચાલુ નાણાવર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રૂ.30,350 કરોડનું રોકાણ જોવા મળ્યું છે. આ કેટેગરીમાં ઉત્કૃષ્ટ રિટર્નને કારણે આ કેટેગરીમાં સતત રોકાણનો પ્રવાહ નોંધાઇ રહ્યો છે.