નર્મદા જિલ્લાના પોઇચા ખાતે ફરવા આવેલા સુરતમાં એક જ સોસાયટીમાં રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતાં પાણીમાં ગરકાવ થયા હતા. બચાવો બચાવોની બૂમો ઊઠતાં સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીમાં ત્રણ નાનાં બાળકો હતાં. સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા. જે બાદ તબક્કાવાર તેમના મૃતદેહો મળ્યા હતા. બુધવારે એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રોના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપતા છે. એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા હતા. રાત્રે જ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને ચારેયના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મૂળ અમરેલીના અને સુરત ખાતે આવેલા સાનિયા હેમદ ગામ ખાતે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 18 જેટલા વ્યક્તિ ગત મંગળવારનાં રોજ નર્મદા નદીમાં નહાવા માટે આવ્યા હતા. જેમાં 7 જેટલા લોકો નર્મદા નદીના પાણીમાં ડૂબી ગયા હતા અને એકનો બચાવ થયો હતો. 72 કલાક થયા છતાં હજુ ડૂબેલા તમામ સભ્યોમાંથી 6ના મૃતદેહ મળ્યા છે. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપતા છે. જેની શોધખોળ ચાલુ છે.