સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે કુલપતિના અધ્યક્ષ સ્થાને સિન્ડિકેટની મિટિંગ તાકીદે બોલાવી હતી. ઈમર્જન્સીમાં બેઠક બોલાવતા સભ્યો પણ નારાજ થયા હતા. 27મીએ નોન ટીચિંગની ભરતી માટેની પરીક્ષા લેવાની મંજૂરી આપવાનો હતો. પરંતુ આ ભરતી પરીક્ષા કઈ તારીખે લેવાશે અને કઈ એજન્સી લેશે તે યુનિવર્સિટીના સત્તાધીશોએ બારોબાર નક્કી કરી નાખતા સિન્ડિકેટ સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. 27મીએ નોન ટીચિંગની ભરતી પરીક્ષા લેવાનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને અપાયો છે તે એજન્સીના નામની પણ સિન્ડિકેટ સભ્યોને જાણ કરવામાં આવી ન હતી.
આ ઉપરાંત ખાનગી એજન્સીએ અગાઉ કોઈ પરીક્ષા લીધી છે કે કેમ, સરકાર માન્ય છે કે કેમ, આ પરીક્ષા લેવાનો કેટલો ખર્ચ થશે, આ ખર્ચનું બજેટ ફાઇનાન્સ કમિટીમાં મંજૂર કરાયું છે કે કેમ આ તમામ બાબતો નક્કી કર્યા વિના ડાયરેક્ટ સિન્ડિકેટમાં મંજૂરી માટે એજન્ડા મુકાતા તમામ સિન્ડિકેટ સભ્યોએ આ બિનઅનુભવી એજન્સીને કરાર આપવાની મંજૂરી આપવા ઇનકાર કરી દેતા છેલ્લી ઘડીએ પરીક્ષા મોકૂફ રાખી હતી.
યુનિ.માં વિવાદોની લહેર : કઈ એજન્સી પરીક્ષા લેશે? ખર્ચ કેટલો ? તે અંગે રજિસ્ટ્રાર, સિન્ડિકેટ સભ્યો પણ અજાણ!
27મીથી ત્રણ દિવસ માટે નોન ટીચિંગની પરીક્ષા લેવા માટે જે એજન્સીને કામ આપ્યું છે તે એજન્સીનું નામ શું છે, સરકાર માન્ય છે કે કેમ? કાર્ય પદ્ધતિ શું છે? અગાઉ કેટલી પરીક્ષા લીધી છે? કેટલા પૈસામાં કામ અપાયું છે તે અંગે ખુદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને સિન્ડિકેટ સભ્યો પણ અજાણ હતા.