Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠનોની કરોડરજ્જુ ભાંગી નાખવા માટે રાજ્યની તપાસ એજન્સી(એસઆઈએ)એ મોટી કાર્યવાહી કરી. પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી જ ખીણમાં ભાગલાવાદીઓની આર્થિક મદદ કરે છે. એસઆઈએ દ્વારા રવિવારે જમાત-એ-ઈસ્લામીની 100 કરોડની સંપત્તિ જપ્ત કરી લેવાઇ હતી. એસઆઈએના પ્રવક્તાએ કહ્યું કે આ કાર્યવાહી ગાંદરબલ, બાંદીપોરા, કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં કરાઈ હતી. અત્યાર સુધી 200 કરોડ રૂ.ની સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે.SIAના અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ આશરે 188 સંપત્તિઓની યાદી બનાવી છે. તેની બજારકિંમત 1000 કરોડની આજુબાજુ છે.

નિષ્ણાતો કહે છે કે તમામ સંપત્તિઓ સીલ કરી દેવાશે અને બેન્ક ખાતાંને વેરિફાઈ કરાયા બાદ ફ્રીઝ કરી લેવાશે. કાશ્મીરમાં અત્યંત ઝડપી કાર્યવાહી થઈ રહી છે. આ નક્કીરૂપે ખીણમાં ભાગલાવાદ માટે સૌથી મોટો આંચકો છે. જમાતે ગત 30 વર્ષમાં ખીણમાં તેનું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે. તેમાં જમીન, શોપિંગ મોલ અને સ્કૂલ સહિત મોટી સંખ્યામાં સ્થાઈ સંપત્તિઓ સામેલ છે.

લશ્કર-એ-તોઈબાના કમાન્ડરની સંપત્તિ પણ જપ્ત કરાઈ
કાશ્મીરના ડોડામાં અધિકારીઓએ લશ્કર-એ-તોઈબાના ફરાર કમાન્ડર અબ્દુલ રાશિદ ઉર્ફે જહાંગીરની સંપત્તિ જપ્ત કરી લીધી. અબ્દુલ હાલ સરહદ પારથી કામ કરી રહ્યો છે અને આતંકવાદને ફરી પગભર કરવાના પ્રયાસ કરી રહ્યો છે. તેની ડોડા જિલ્લાના થાથરીના ખાનપુરા ગામમાં ચાર કનાલથી વધુ જમીન છે જેના પર મેજિસ્ટ્રેટના નિર્દેશ પછી કાર્યવાહી કરાઈ હતી. પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ અબ્દુલ કય્યૂમે કહ્યું કે એ બધા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે જે પાક.થી ઓપરેટ કરી રહ્યા છે. તે સોશિયલ મીડિયા દ્વારા યુવાઓને ભડકાવવા પ્રયાસ કરી રહ્યા છે.

ખીણમાં જમાતની 300 સ્કૂલો પર બૅન મુકાયો
સરકાર દ્વારા પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી માત્ર કાશ્મીરમાં જ 300થી વધુ સ્કૂલો ચલાવતી હતી. હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સુરક્ષા અધિકારીઓને આશંકા હતી કે અહીં ભણતાં વિદ્યાર્થીઓને આતંકવાદ કે ભાગલાવાદ તરફ ધકેલાઈ શકે છે.