ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લીગ સ્ટેજની મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે બેંગલોરને 8 રને હરાવ્યું હતું. CSKએ આપેલા 227 રનના ટાર્ગેટની સામે RCB 20 ઓવરમાં 8 વિકેટે 218 રન જ બનાવી શકી હતી. બેંગલોરના બેટર્સે શાનદાર પ્રયાસ કર્યો હતો, પણ અંતે વિકેટ ગુમાવી દેતા નિષ્ફળ રહ્યા હતા. બેંગલોર તરફથી સૌથી વધુ ગ્લેન મેક્સવેલે 36 બોલમાં 76 રન ફટકાર્યા હતા. તો ફાફ ડુ પ્લેસિસે 33 બોલમાં 62 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 28 રન કર્યા હતા. ચેન્નઈ તરફથી સૌથી વધુ તુષાર દેશપાંડેએ 3 વિકેટ લીધી હતી. મથિસા પથીરાનાને 2 વિકેટ, જ્યારે મોઈન અલી અને આકાશ સિંહને 1-1 વિકેટ મળી હતી.
ફાફ ડુ પ્લેસિસ-મેક્સવેલ વચ્ચે 126 રનની પાર્ટનરશિપ
227 રનના ટાર્ગેટને ચેઝ કરતા બેંગલોરે 2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ગ્લેન મેક્સવેલ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે વિસ્ફોટક બેટિંગમાં ઊતર્યો હતો. મેક્સવેલે 24 અને ડુ પ્લેસિસે 23 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. બન્નેએ મોટા શોટ્સ ફટકાર્યા હતા.