શહેરની ભાગોળે બેટી ગામના પુલ નજીક કારચાલકે ઘોર બેદરકારી દાખવી ત્રીજા ટ્રેકમાંથી અચાનક જ કાર બીજા ટ્રેક પર લાવી કાર ઊભી રાખી દેતાં પાછળ આવી રહેલું બાઇક ધડાકાભેર અથડાયું હતું. રસ્તા પર પટકાયેલા બાઇકચાલક પર પાછળ આવી રહેલું ટેન્કર ફરી વળતાં બાઇકચાલક પ્રૌઢનું મોત નીપજ્યું હતું. બાઇકચાલક નોકરી પર જતા હતા ત્યારે રસ્તામાં જ તેમને કાળ ભરખી ગયો હતો.
રૈયા રોડ પરના બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર પાર્કમાં રહેતા અને કુવાડવા રોડ પર આવેલા આઇઓસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં રમેશભાઇ દયાશંકરભાઇ ત્રિવેદી (ઉ.વ.55) ગત તા.21ના સવારે પોતાનું બાઇક ચલાવીને નોકરી પર જવા નીકળ્યા હતા અને કુવાડવા રોડ પર બેટીના પુલ નજીક પહોંચ્યા હતા ત્યારે અચાનક જ ત્રીજા ટ્રેક પરથી ઇનોવા કાર બીજા ટ્રેક પર આવી ગઇ હતી અને ચાલકે બ્રેક મારી કારને ઊભી રાખી દીધી હતી. કાર અચાનક જ ઊભી રહેતા બાઇક કારની પાછળ અથડાયું હતું અને રમેશભાઇ બાઇક પરથી ફંગોળાયા હતા.