નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરમાંથી એકત્ર કરાતો કચરો નાખવા માટે કમળા ગામની સીમમાં ડમ્પિંગ સાઇટ બનાવાઈ છે. દરરોજ શહેરભરમાંથી 70 હજાર કિલો કચરો આ ડમ્પિંગ સાઇટ પર લાવવામાં આવે છે. જ્યા કચરો વિણનારા લોકો લોખંડ, કાગળ, પ્લાસ્ટિક, રબર જેવો સુકો કચરો વીણી તેને ભંગારની દુકાનમાં વેચી દેતા હોય છે. જ્યારે ભીના કચરાને ખાતર બનાવવા માટે પ્રોસેસ કરવામાં આવતો હોય છે. પરંતુ આ સાઇટ પર કચરો નાખવા જતા પાલિકાના સાધનો કેટલાક દિવસથી ડમ્પિંગ સાઇટની બહાર જ કચરો નાખી રહ્યા છે.
ગ્રામ પંચાયતના ડે.સરપંચના પતિ સતિષભાઈ તળપદાએ જણાવ્યું હતુ કે અવાર નવાર નડિયાદ નગરપાલિકા માં રજૂઆતો કરવા છતાં કચરો નાખવા આવતા વાહનો ડમ્પિંગ સાઇટની બહાર ખુલ્લામાં કચરો નાખી જતા રહે છે. જ્યાં કચરો ખાવા માટે ગાયોના ટોળા વળે છે. આ જ કચરો છેક ગામ સુધી પહોંચે છે, જેના કારણે ગામમાં રોગચાળાની સ્થિતિ ફેલાય છે. સમગ્ર બાબતે GPCB તેમજ જિલ્લા કલેક્ટરને પત્ર લખી ફરિયાદ કરવી પડી છે. પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. જેને લઇને ભારે રોષ વ્યાપી ગયો છે. જીપીસીબીની તાકીદ છતાં પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને કચરાના ઢગ ડમ્પિંગ સાઇટ બહાર થઇ રહ્યાં છે.