મધ્યપ્રદેશના રતલામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. આ અકસ્માત રતલામથી અંદાજે 27 કિલોમીટર દૂર સાતરૂંડા ચોક પાસે થયો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સ્પીડમાં આવેલા ટ્રકે રસ્તાની સાઈડમાં ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં 5 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે 2 લોકોના પાછળથી મોત થયા હતા.
આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ટ્રક સ્પીડમાં આવે છે. તે પહેલા ક્રોસ કરી રહેલા બાઈક સવારેને ટક્કર મારે છે. અને પછી ડિવાઈડરની તરફ બસની રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખે છે.
ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને સ્થાનિકોએ ઘાયલોને નજીકની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પહોંચાડ્યા હતા. જેમાં 10 ઘાયલોમાંથી 2 ગંભીર રીતે ઈજાગ્રસ્તોએ રસ્તામાં જ દમ તોડી લીધો હતો. 8 ઈજાગ્રસ્તોને પ્રાઇવેટ અને રતલામ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 2 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે.
આ ઘટના રવિવારે સાંજે અંદાજે 5 વાગ્યાની છે. સાતરૂંડા ચોક પાસે અમુક લોકો રસ્તાની સાઈડમાં બેસીને બસની રહા જોઈ રહ્યા હતા. ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રક બેકાબૂ બનીને લોકોને કચડીને નીકળી ગયો હતો.