રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટોટર્ફ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી ગુજરાત પોલીસના ડીજીપી કપ હોકી ચેમ્પિયનશિપના બીજા દિવસે આઠ મેચ રમાયા હતા. મહિલાના મેચમાં રાજકોટ રેન્જ અને ભાવનગર રેન્જ વચ્ચે કાંટે કી ટક્કર થઇ હતી. મેચ સમયમાં બંને ટીમ એક બીજાને પરાજિત કરી ફાઇનલમાં પ્રવેશ મેળવવા જોરદાર રમત રમી હતી. અંતે મેચના પૂરા સમયે એક પણ ગોલ નહિ નોંધાતા પરિણામ લાવવા પેનલ્ટી શૂટઆઉટ આપવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ રેન્જની ટીમે 2-1થી જીત મેળવી હતી. ગુરુવારે રાજકોટ સિટી અને રાજકોટ રેન્જ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. જ્યારે પુરુષ વિભાગમાં રાજકોટ સિટીની ટીમે રાજકોટ રેન્જને 14-0થી કચડ્યું હતું. જેમાં ભગીરથસિંહ ખેરે 5, ડી.વી.બાલાસરા, પુષ્પરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ રાણા, રવિ વાસદેવાણીએ 2-2 અને જયદીપસિંહે 1 ગોલ ફટકાર્યો હતો. અન્ય મેચમાં સુરત સિટીએ 4-1થી અમદાવાદ સિટીને, વડોદરા રેન્જે 9-0થી રાજકોટ રેન્જને, વડોદરા સિટીએ 1-0થી અમદાવાદ રેન્જને, ભાવનગર રેન્જે 9-0થી અમદાવાદ સિટીને, વડોદરા રેન્જે 2-0થી એસઆરપીને અને સુરત સિટીએ 1-0થી અમદાવાદ રેન્જને લીગના બીજા રાઉન્ડમાં પરાજિત કર્યું છે. ટૂર્નામેન્ટમાં નોડલ ઓફિસર એસીબી વી.એમ. રબારી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.