રાજકોટમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના રામનાથપરામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખેલા PGVCLના વીજ મીટરમાં આજે સાંજે અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ સાથે જ તમામ મીટર સળગવા લાગ્યા હતા. જેથી તેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ત્રણ ફાયર ફાઈટર સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને બિલ્ડીંગની અગાસી પર રહેલા 14 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામનાથ પરા શેરી નંબર 14મા આવેલા શિવ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખેલા પીજીવીસીએલના મીટર બોર્ડમાં આગ લાગી હતી જે ભાનુપ્રસાદ જગદીશચંદ્રની માલિકીનું છે ચાર માળના બિલ્ડિંગમાં 9 ફ્લેટ આવેલા છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જ્યાં રાત્રે સાડા સાત વાગ્યા આસપાસ આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો