શહેરની ભાગોળે જામનગર રોડ પરના પરાપીપળિયામાં રહેતી અને ખેતમજૂરી કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી કિશન નામનો શખ્સ અગાઉ ભગાડી ગયો હતો, પ્રેમી સાથેના સંબંધથી સગર્ભા બનેલી સગીરાએ રવિવારે સવારે પુત્રને જન્મ આપ્યો હતો, દુષ્કર્મના મામલામાં જેલમાં રહેલા આરોપીના પરિવારને બાળક સોંપી દેવાશે તેવું સગીરાના પરિવારજનોએ કહ્યું હતું.
પરાપીપળિયામાં પરિવારજનો સાથે રહીને ખેતમજૂરી કરતી એમપીની વતની 17 વર્ષની સગીરાને બાજુની વાડીમાં ખેતમજૂરી કરતા કિશન નામના શખ્સ સાથે આંખ મળી હતી અને નવેક મહિના પૂર્વે બંને ભાગી ગયા હતા, સગીરાના પરિવારજનોએ તત્કાલીન સમયે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્રણ મહિના બાદ સગીરા અને કિશનને ઝડપી લીધા હતા, કિશને સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યા હોય પોલીસે કિશન સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેને જેલહવાલે કર્યો હતો.
કિશન સાથેના સંબંધથી સગર્ભા બનેલી સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, સગીરાએ સવારે પુત્રને જન્મ આપ્યો હતો, સગીરા કુંવારી માતા બનતા જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. સગીરાની માતાએ જણાવ્યું હતું કે, કિશન તેની પુત્રીને અગાઉ ભગાડી ગયો હતો અને તેની સાથેના સંબંધને કારણે તેની પુત્રીએ દીકરાને જન્મ આપ્યો હતો.