સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરી 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી રૂા.478.65 કરોડનો જથ્થો ઝડપ્યો હતો. જે બાદ સયાજીગંજમાં શરૂ કરેલી દુકાનમાંથી મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ એટીએસ દ્વારા ઝડપી પડાયું હતું. જેની કિંમત અંદાજે રૂા.500 કરોડ અંદાજાઈ રહી છે. જોકે એફએસએલના રિપોર્ટ બાદ નક્કી થશે કે તે કયું ડ્રગ્સ છે.
એટીએસની ટીમે સિંધરોટ ગામે દરોડો પાડી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં રૂા.478.65 કરોડનું 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળ્યું હતું. એટીએસે સૌમીલ ઉર્ફે સેમ સુરેશચંદ્ર પાઠક (એવરેસ્ટ સોસાયટી, બાલાજી હોસ્પિટલ પાસે, સુભાનપુરા), શૈલેષ ગોવિંદભાઈ કટારિયા (ભાગ્યલક્ષ્મી સોસાયટી, રિફાઈનરી રોડ), વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઈ નિજામા (શ્રમમંદિર, સિંધરોટ), મો.શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દિવાન (ફૈજલ પાર્ક, નડિયાદ) અને ભરત ભીમાભાઈ ચાવડા (પંચામૃત એપાર્ટમેન્ટ, ગોત્રી રોડ)ની ધરપકડ કરી હતી.