રાજકોટમાં રહી અભ્યાસ કરતી એક યુવતીને ભાવનગરના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને વાત લગ્ન સુધી પહોંચી હતી. જોકે, યુવકે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચાર્યા બાદ લગ્ન કરવા ઇન્કાર કરતા યુવતીએ મહિલા પોલીસ મથકમાં ભાવનગરના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એકાંત માણવા હેપ્પી એવર્સ કેબિન પાર્લરમાં જતા
રાજકોટના કાલાવડ રોડ પર રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 23 વર્ષની યુવતીનો ચારેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા માધ્યમથી ભાવનગરના ઉમરાળામાં રહેતા રાજદીપસિંહ પ્રવિણસિંહ ગોહિલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બન્ને સોશિયલ મીડિયા પર વાતચીત કર્યા બાદ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. મોબાઈલ પર વાતચીત થતી હતી અને થોડા સમય બાદ બન્ને વચ્ચે રૂબરૂ મુલાકાત પણ શરૂ થઇ હતી. બાદમાં એકાંત માણવા ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલા હેપ્પી અવર્સ કેબિન પાર્લરમાં જતા હતા.
યુવકે વતન ઉમરાળા લઈ જઈ દુષ્કર્મ આચર્યું
યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજદીપસિંહે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે બળજબરી કરી અનેકવાર શરીર સબંધ બાંધ્યો હતો. તેમજ ઉમરાળા તેમના વતનમાં લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીએ લગ્ન કરવાની વાત કરતા રાજદીપસિંહે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને સંપર્ક કાપી નાખતા યુવતીએ પરિવારને વાત કરી રાજકોટ મહિલા પોલીસ મથકમાં આવી ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.