રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ, ધાડ, ચોરી સહિતના ગુનાઓને અંજામ આપી ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ તરખાટ મચાવ્યો છે. ત્યારે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં થોડા સમય પહેલાં જ ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ પાંચ ગુનાને અંજામ આપ્યો હતો. જે બનાવ બાદ પોલીસે તપાસ શરૂ કરી ટોળકીના કેટલાક સાગરીતોને પકડી પાડ્યા હતા.
જ્યારે ટોળકીની પૂછપરછમાં તેમનો વધુ એક સાગરીત દાહોદનો ભરત બાદરસીંગ પલાસ પણ હોવાની કબૂલાત આપી હતી. ત્યારે રાજકોટ શહેરમાં 9 તેમજ જામનગર, મહેસાણા અને ગાંધીનગર મળી કુલ 12 ગુનામાં નાસતો ભરત પલાસ બેડી ચોકડી પાસે હોવાની ક્રાઇમ બ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસ ટીમ તુરંત બેડી ચોકડી પાસે દોડી જઇને ભરત પલાસને સકંજામાં લીધો હતો.
સકંજામાં આવેલા ચડ્ડી-બનિયાનધારી ટોળકીના સૂત્રધાર ભરત પલાસની પૂછપરછ કરતા તેને સાગરીતો લાલા ખીમસીંગ પલાસ, રાકેશ પલાસ, છપ્પર પલાસ, કાજુ પલાસ સહિતના સાગરીતો સાથે મળી છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટ શહેર, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ, મંદિર ચોરી વગેરે મળી કુલ 40 ગુનાને અંજામ આપ્યાની કબૂલાત આપી છે. અગાઉ રાજકોટ ઉપરાંત જામનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, ગાંધીનગર, હિંમતનગર જિલ્લા પોલીસ મથકમાં 21 વખત ચોપડે ચડી ચૂકેલા ભરત પલાસની વધુ પૂછપરછમાં ચોરી, લૂંટના બનાવને અંજામ આપ્યા બાદ ટોળકીના સભ્યો રોકડનો ભાગ પાડી લેતા હોવાનું જણાવ્યું છે. સૂત્રધાર ભરત પલાસની પૂછપરછમાં બનાવને અંજામ આપવા જતા પહેલા તે અને રાળિયા પલાસ બંને સ્થળની રેકી કરવા જતા હતા. રેકી કર્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં ખેતમજૂરી કરતા તેમના સાગરીતોને ફોન કરી જાણ કરતા હતા. જાણ કર્યા બાદ બધા બનાવ સ્થળેથી એક કિલોમીટર દૂર ભેગા થતા હતા. પોલીસ પકડથી બચી શકે તે માટે તેમજ સીસીટીવી કેમેરા ન હોય તેવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના બારોબારના કારખાના, સ્કૂલ, રહેણાક મકાન, વાડીમાં લૂંટ, ચોરીના બનાવને અંજામ આપતા હતા. ટોળકીની ઓળખ છતી ન થાય તે માટે ચડ્ડી-બનિયાન પહેરતા અને મોઢે બુકાની બાંધી દેતા હતા. બનાવને અંજામ દેવા જતી વેળાએ સાથે પથ્થર, ડિસમિસ, ગણેશિયો, દાતરડુ, ગીલોલ, ટોર્ચ જેવા સાધનો સાથે રાખતા હોવાની ભરત પલાસે કબૂલાત આપી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડેલા ભરત પલાસને યુનિવર્સિટી પોલીસ હવાલે કર્યો છે.