અમેરિકાના ટેક્સાસની એક સ્કૂલની નવ વર્ષની મેહલે હવે સ્કૂલે જવા જ નથી ઈચ્છતી. તેનાં માતા-પિતા પણ ભયભીત છે અને તેઓ પણ પુત્રીને સ્કૂલે મોકલતા ખચકાય છે. આવા ડરમાં જીવતી મેહલે એકલી નથી, પરંતુ આખું શહેર હજુ ડરેલું છે.
વાત એમ છે કે, 24 મેના રોજ ટેક્સાસના 15 હજારની વસતી ધરાવતા ઉવાલ્ડે શહેરની રોબ એલિમેન્ટરી સ્કૂલમાં એક સશસ્ત્ર યુવકે ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. તેમાં 19 બાળક અને બે શિક્ષકનાં મોત થયાં હતાં. ત્યાર પછી આ સ્કૂલ બંધ કરી દેવાઈ, પરંતુ ત્રણ મહિના પછીયે બાળકો અને તેમનાં માતા-પિતામાં ડર ઓછો નથી થયો. હવે નવું શિક્ષણ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ બાળકો સ્કૂલે જવા તૈયાર નથી. તેમના માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરાયા છે.
બીજી તરફ, સ્કૂલમાં પોલીસ પણ તહેનાત કરાઈ છે, કેમેરા ફિટ કરાયા છે અને ચારેય તરફ દીવાલો પણ ઊંચી કરાઈ છે. આમ છતાં સ્થાનિક તંત્ર લોકોમાં સુરક્ષાની ભાવના સર્જી નથી શક્યું. હવે કેટલાંક માતા-પિતા પોતાનાં બાળકોને એ સ્કૂલોમાં મોકલવાની તૈયારી કરી રહ્યાં છે, જ્યાં ઉત્તમ સુરક્ષા વ્યવસ્થા છે. તેઓ સ્કૂલ બોર્ડ સભ્યોની જવાબદારી નક્કી કરવાની સાથે શહેરની સ્કૂલોમાં સુરક્ષાની નવી વ્યવસ્થા કરવાની પણ માંગ કરી રહ્યા છે. કેટલાંક માતા-પિતા ગન કંટ્રોલ એક્ટને કડક કરવા એક જૂથ પણ બનાવી રહ્યાં છે. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હૉલ હરેલનું કહેવું છે કે, આ સત્ર આ વખતે થોડું મોડું શરૂ કરાશે.