ડીસાના પલટન મંદિર પાસે પતિ-પત્નીના ઝઘડામાં સમજાવવા ગયેલ સાળા અને સસરા પર બનેવી સહિત તેના પરિવારજનોએ તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે ભણસાલી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે હુમલો કરનાર બે મહિલાઓ સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ડીસાના પલટન મંદિર પાસે રહેતા લલીતાબેન અને તેમના પતિ હરગોવિંદપુરી ગૌસ્વામી વચ્ચે સામાન્ય બોલા ચાલી થતા લલીતાબેને તેમના પિતા અને ભાઈઓને જાણ કરી હતી. જેથી તેમના પિતા કનૈયાલાલ અને બે ભાઈઓ રાજેન્દ્રભાઈ અને રાજેશભાઈ બહેન-બનેવીના ઘરે સમજાવવા માટે ગયા હતા. જ્યાં બંને પરિવારો વચ્ચે બોલાચાલી થતા બનેવી સહિત 4 લોકોએ તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં બંને ભાઈઓ અને તેમના પિતાને માથાના ભાગે ગંભીર બીજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પિતા-પુત્રોને સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હુમલો કરનાર હરગોવિંદપુરી ગૌસ્વામી, રોહિતકુમાર ગૌસ્વામી, તુલસીબેન ગૌસ્વામી અને રીંકુબેન ગૌસ્વામી સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.