આતંકી સંગઠન હમાસ દ્વારા 150 બંધક ઈઝરાયલની મુક્તિની માગણીને લઈ ઈઝરાયલમાં સોમવારે 10 કલાકની ઐતિહાસિક હડતાળ કરાઈ હતી. શાળા-કોલેજો, ઓફિસો, મોલ, બેન્કો, હોસ્પિટલો અને એરપોર્ટ બંધ રહ્યાં હતાં. ઈઝરાયલના સૌથી મોટા ટ્રેડ યુનિયન ‘હિસ્ટાડ્ર્ટ’એ હડતાળનું એલાન આપ્યું હતું. આખો દેશ રસ્તા પર ઉતરી આવ્યો. દેખાવકારોએ માગ કરી હતી કે બંધકોની મુક્તિ માટે હમાસ સાથે સમજૂતી કરવામાં આવે.
હમાસ સામે ઇઝરાયલના 11 મહિનાના યુદ્ધ પછી દેશ અને વિદેશમાં રહેતા લગભગ 5 લાખ ઇઝરાયલીઓએ આ પ્રથમ સ્ટ્રાઇકમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે પીએમ નેતન્યાહુના હમાસ વિરુદ્ધ યુદ્ધ કરવાના નિર્ણય પછી પણ બંધકોને છોડવામાં આવ્યા નથી.
હડતાળમાં સામેલ જેરુસલેમના અવી લાવીએ કહ્યું કે પીએમ નેતન્યાહુ યુદ્ધના નામે પોતાની ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુદ્ધથી હમાસનો ખાત્મો થયો નથી. જે લોકોના પરિજનો બંધક છે તેમના માટે એક-એક દિવસ નરક સમાન છે. નેતન્યાહુએ બંધક પરિવારોની પીડા સમજવી જોઈએ.