ચૂંટણીની કામગીરીમાંથી પરવારીને હાશકારો અનુભવતી પોલીસની ઠંડી ઉડાડવા અને દોડતી જ રાખવાનું તસ્કરોએ નક્કી કરી લીધું હોય એમ ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે જ ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી હતી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જ્વેલરી શોપમાં ત્રણ મહિલા આવી હતી અને તેમણે નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એ બાદ પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી હતી. જ્યારે અન્ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણના ચીતલિયા રોડ પર આવેલી એક જ્વેલર્સ શોપમાંથી દાગીના ખરીદવાના બહાને આવેલી ત્રણ મહિલા ‘કારીગરી’ કરી ગઈ હતી. માલિકની નજર ચૂકવીને સોનાની બે બૂટી, જેની કિંમત 35,000 આસપાસ થવા જાય છે, તે ચોરી ગઇ હતી. મહિલાઓ નીકળી ગયા પછી માલિકને આ તફડંચીની ખબર પડી હતી અને તેમણે CCTV ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ત્રણ મહિલા ચોરી કરતી સ્પષ્ટ દેખાતાં આ અંગે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે તેમની અન્ય બે સાગરીતની શોધખોળ આરંભાઈ છે.
જસદણમાં ચીતલિયા રોડ પર અવસર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઈ વઘાસિયાએ ત્રણ અજાણી મહિલા સામે જસદણ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માગી ફરિયાદીની નજર ચૂકવી સોનાની બૂટી નંગ-2 કિં.રૂ.35,000 ચોરી કરી ગઈ હતી. દરમિયાન આ ફરિયાદ બાદ જસદણના PI પી.બી.જાની તથા ASI ભૂરાભાઈ માલીવાડે CCTV ફૂટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનારી સવિતા હકાભાઇ ભોજવિયાને ઝડપી લીધી હતી, જ્યારે અન્ય બે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.