રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સને ઝડપી લીધા હતા, ટ્રકમાલિક શિવધારા સોસાયટીનો શખ્સ દસ વર્ષથી દારૂનો વેપલો કરે છે, પોલીસે રૂ.7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂના સપ્લાયરની શોધખોળ શરૂ કરી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ શિવધારા રેસિડેન્સિના બસ સ્ટોપ પાસે પાર્ક કરાયેલા ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એસએમસીના પીએસઆઇ એસ.વી.ગરચર સહિતની ટીમ દોડી ગઇ હતી.
પોલીસ પહોંચી ત્યારે ટ્રકની કેબિનમાં બેઠા હતા, પોલીસે ટ્રકમાલિક એલપી પાર્કમાં રહેતા મનીષ પરબત હેરમા અને ટ્રકચાલક બેડીપરાના કલ્પેશ ઘનુ દેવભડીંગજીને સકંજામાં લીધા હતા, પોલીસે ટ્રકની તલાશી લીધી તો પ્રથમ કંઇ મળ્યું નહોતું, પરંતુ કેબિનમાં ફિટ કરાયેલો બોલ્ટ શંકાસ્પદ લાગતાં તે ખોલતા જ અંદરથી રૂ.1,55,535નો 104 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે દારૂ, ટ્રક અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ.7,20,635નો મુદ્દામાલ કબજે કરી મનીષ અને કલ્પેશની ધરપકડ કરી હતી, ટ્રકચાલક મનીષે કબૂલાત આપી હતી કે, પોતે દસ વર્ષથી દારૂનો વેપલો કરે છે, ત્રણ મહિના પહેલા ટ્રક ખરીદ કર્યો હતો, અને પડધરીના રાહુલ પાસે કેબિનમાં ચોરખાનું બનાવ્યું હતું. જેના પૈસા ચૂકવવાના હજુ બાકી છે.
ટ્રક ખરીદ કર્યા બાદ મિત્ર કલ્પેશ દેવભડીંગજીને ટ્રક ડ્રાઇવર તરીકેનું કામ સોંપ્યું હતું અને દારૂની દરેક ટ્રીપના તેને રૂ.10 હજાર ચૂકવતો હતો. પાંચ દિવસ પહેલા કલ્પેશ ટ્રકમાં લાદી અને સોફા ભરીને નાસી ગયો હતો અને ત્યાંથી હીરા વાઇન સ્ટોર ખાતેથી ચંદને દારૂનો જથ્થો ભરી દીધો હતો, દારૂનો જથ્થો ટ્રકમાં ભરાતા રાજકોટથી મનીષે ઓનલાઇન નાણાં ચંદનને ચૂકવી દીધા હતા.