ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી જાળ બિછાવી ફસાવી દીધા હતા. બાદમાં દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ લઈ લીધા હતા. જોકે છેતરાઈ ગયા હોવાનું ધ્યાને આવતા વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપી આરોપીઓને ઝડપી પાડવા પોલીસને અરજી આપી છે.
અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ
ધાનેરા તાલુકાના ગોલા ગામમાં ભૂવાઓએ નવરાત્રીમાં પીડિત પરિવારને કહ્યું કે 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે ચેહર માતાની બાધા રાખવી પડશે. વાતોમાં આવી ગયેલા પરિવારે બાધા રાખી તો થોડા મહિના સારું રહ્યું જે બાદ ફરી ભૂવાઓએ આવીને કહ્યું હવે અમે જેમ કહ્યું તેમ કરવુ પડશે નહીંતર ફરી દુઃખ શરૂ થશે, દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે, ભોળવાઈ ગયેલા બંને ભાઈઓએ 20 લાખ અને 15 લાખ એમ ઉછીના 35 લાખ લાવીને 11 ડિસેમ્બરે ઘરમાં વિધિ દરમિયાન આપ્યા, તેમજ 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટો પણ આપી.
દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે
ફુલહાર કરી માન સન્માન આપી હરખાતા હૈયે વધામણા કરી આભાર પણ માન્યો. જોકે પાછળથી આ તમામ ભૂવાઓ સમાજમાં અંધશ્રદ્ધાથી પીડાતા માણસોનો ફાયદો ઉઠાવે અને પૈસા તેમજ ઘરેણા લઈ લે છે તેવી હકીકત જાણ્યા પછી ગયેલા પૈસા પાછા લાવવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસ મથકે ગુનો નોંધાવા અરજી આપી હતી.