વર્ષ પૂર્ણ થવાને આરે છે અને વર્ષ 2024ને લઇને અનુમાનનો સિલસિલો જારી છે. પરંતુ વર્ષ 2023ને લઇને જે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું, તેમાંથી મોટા ભાગનું અનુમાન ખોટું સાબિત થયું હતું. મંદી અને મોંઘવારીને લઇને જે ડર દેખાડવામાં આવ્યો હતો તે એટલો ભયાનક ન હતો. કેટલાક યુરોપિયન દેશને છોડીને મોટા ભાગના અર્થતંત્રો મંદીથી બચવામાં સક્ષમ રહ્યા હતા, ભલે પછી વૈશ્વિક અર્થતંત્ર ધીમુ રહ્યું હોય. દરમિયાન, વર્ષ 2024 માટે મહત્તમ અર્થશાસ્ત્રી એ વાત પર એકમત જણાઇ રહ્યા છે કે મોંઘવારીમાં ઘટાડો થશે અને વ્યાજદરોમાં ઘટાડો થશે, પછી ભલે તે વર્ષના બીજા છ મહિના દરમિયાન થાય.
નવા વર્ષને લઇને કેટલીક આશાઓ ઉપરાંત આશંકાઓ પણ છે. અર્થાત્ ફ્રાન્સની ESSEC બિઝનેસ કોલેજ અનુસાર નવું વર્ષ આર્થિક રીતે ઉથલપાથલથી ભરેલું રહેશે. મોટા ભાગના અર્થતંત્રનું પ્રદર્શન સરેરાશ રહેશે. જ્યારે ગોલ્ડમેન સાક્સ રિસર્ચને આશા છે કે વૈશ્વિક અર્થતંત્ર 2024માં આશા કરતાં સારું પ્રદર્શન કરશે, જેવું કે વર્ષ 2023માં થયું હતું. એક રસપ્રદ વાત એ છે કે ભારત સૌથી ઝડપી જીડીપી ગ્રોથની સાથે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાઓની વચ્ચે એક આશાનું કિરણ બની રહેશે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ વૈશ્વિક વિકાસના પ્રમુખ એન્જિનના રૂપમાં ભારતને ચીનનો વિકલ્પ માને છે. પરંતુ વર્ષ 2024 મેક્રો ઇકોનોમી માટે એક બેનર વર્ષ બની રહેશે કે નહીં તે કહેવું મુશ્કેલ બની રહેશે.
અમેરિકા: પૂર્વાનુમાનો અનુસાર અમેરિકા એક તરફથી સૉફ્ટ લેન્ડિંગ હાંસલ કરશે અને આર્થિક મંદીને ટાળશે. પરંતુ લેબર માર્કેટમાં નરમાઇ વધવાના લક્ષ્ણ જોવા મળી રહ્યા છે. કોવિડ દરમિયાન જારી કરાયેલા પ્રોત્સાહન ચેકથી ગ્રાહક ખર્ચમાં થયેલો વધારો પણ હવે ઘટી રહ્યો છે.