પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયાના 2 દિવસ પછી પણ સંપૂર્ણ પરિણામો આવ્યા નથી. અહીં કોઈ પક્ષને બહુમતી નથી. ઈમરાન ખાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારો 92 બેઠકો સાથે આગળ છે. નવાઝની પાર્ટી 73 બેઠકો સાથે બીજા નંબર પર છે.
જેલમાં બંધ ઈમરાનની પીટીઆઈ અને બિલાવલની પીપીપીએ ઘણી સીટો પર ગોટાળાના આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એક સીટ પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે એક સીટ NA-88ના પરિણામોને નામંજૂર કરવામાં આવ્યા છે. અહીં 15મી ફેબ્રુઆરીએ ફરી મતદાન થશે. બાકીની 70 બેઠકો અનામત છે.
સરકાર બનાવવા માટે 134 સીટો પર બહુમતી હોવી જરૂરી છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે મુકાબલો છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નો સમાવેશ થાય છે.
પીએમએલ-એન પ્રમુખ શાહબાઝ શરીફ આસિફ અલી ઝરદારી અને બિલાવલ ભુટ્ટોને મળવા લાહોરના બિલાવલ હાઉસ પહોંચ્યા છે. આ દરમિયાન નવી સરકાર બનાવવા પર વાતચીત થશે. પીએમએલ-એનનું પ્રતિનિધિમંડળ શાહબાઝની સાથે છે. તેમાં આઝમ નઝીર તરાડ, અયાઝ સાદિક, અહસાન ઈકબાલ, રાણા તનવીર, ખ્વાજા સાદ રફીક, મલિક અહેમદ ખાન, મરિયમ ઔરંગઝેબ અને શાઝિયા ફાતિમાનો સમાવેશ થાય છે. ભાસ્કરના રિપોર્ટર રાણા માલ્હીના જણાવ્યા અનુસાર - પીપીપીના નેતાઓએ શાહબાઝ અને પ્રતિનિધિમંડળને કહ્યું છે કે તેઓ આવતીકાલે (સોમવાર, 12 ફેબ્રુઆરી) સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ આ અંગે જવાબ આપશે.