વિસનગરમાં મંગળવારે વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વરસાદ ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેતાં કાંસા ચોકડીથી અેપીઅેમસી સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઇ જતાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. અઢી ઇંચ વરસાદમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં પાલિકાની પ્રિ-મોનસુન કામગીરી નિષ્ફળ જોવા મળી હતી. કાંસા ચારરસ્તાથી આઇટઆઇ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાં શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધા અર્થે જતા લોકો અટવાઇ પડ્યા હતા. શહેરના કાંસા ચોકડીથી માર્કેટયાર્ડ સુધી, કાંસા એનએ વિસ્તાર, રામદેવપીર મંદિર, ગાયત્રી મંદિર, થલોટા રોડ, એપીએમસી ગેટ આગળ, દગાલા રોડ, બસ સ્ટેશન, આઇટીઆઇ ચોકડી, આઇટીઆઇ આગળ, લાવારિસ સ્ટેશન, દરબાર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વિસનગરમાં ભારે વરસાદને પગલે કાંસા ચોકડીથી અાઇટીઅાઇ સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.