પીરિયડ્સ દરમિયાન મહિલાઓને રજા આપનાર સ્પેન પહેલો યુરોપિયન દેશ બન્યો છે. સ્પેન પહેલા ઈટાલીમાં પીરિયડ્સ દરમિયાન રજા આપવાનો મામલો છ વર્ષ પહેલા ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ નક્કર નિર્ણય લઈ શકાયો ન હતો. જ્યોર્જિયા મેલોની ઈટાલીના નવા વડાપ્રધાન બન્યા બાદ હવે આ મામલો ફરી ઉઠાવવામાં આવ્યો છે. ઇટાલિયન ગ્રીન-લેફ્ટ ગઠબંધનએ એક નવું બિલ રજૂ કર્યું છે, જેમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજાની જોગવાઈ કરાઇ છે. હવે જોવાનું એ રહે છે કે ઈટાલીની સંસદ તેને મંજૂરી આપશે કે નહીં.
તેમ છતાં અન્ય યૂરોપિયન દેશની સરખામણીમાં ઇટાલીમાં સૌથી ઓછો મહિલા રોજગાર દર 51. 6 ટકા છે. આની પાછળ કારણ એ છે કે, ઇન્ટરવ્યૂ દરમિયાન મહિલાઓને તેમના અંગત જીવન સાથે સંબંધિત પ્રશ્ન પુછવામાં આવે છે. કાયદાકીય રીતે આ પ્રકારનાં સવાલ કરી શકાય નહીં, પરંતુ પુરૂષલક્ષી માનસિકતાનાં કારણે આવા સવાલ થાય તે સ્વાભાવિક છે. ઇટાલીની સંસ્થા આઇપીસોસની શોધમાં જાણવા મળ્યું છે કે, નોકરી માટે ઇન્ટરવ્યૂ આપનાર 28 ટકા મહિલાઓને ગર્ભાવસ્થાની યોજના અંગે સવાલ કરવામાં આવે છે. જેના જવાબ તેમની વરણી રોકી શકે છે. ખાસ કરીને માતા બનવાની યોજના બનાવી રહેલી મહિલાઓની નિમણૂંકોને રોકી શકે છે.
કેટલીક મહિલાઓને ભય રહે છે કે, પીરિયડ્સ દરમિયાન લીવથી તેમના વેતનને કાપી લેવામાં આવશે. ઇટાલીની અર્થશાસ્ત્રી ડેનિએલા પિઆજ્જાલુંગાએ દાવો કર્યો છે કે, આવા કાયદા બનવાથી મહિલા કર્મચારીઓને વધારે ભેદભાવનો સામનો કરવો પડશે.