ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે થયેલી દલીલનો એક વીડિયો સામે આવ્યો છે. ક્લિપમાં એર હોસ્ટેસ અને પેસેન્જર બંને એકબીજા સામે બૂમો પાડતા જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટમાં આપવામાં આવેલા ભોજનને લઈને આ વિવાદ થયો હતો. જ્યારે પેસેન્જરે એર હોસ્ટેસને નોકર કહી, ત્યારે મામલો વધુ વણસી ગયો હતો. જેના પર એર હોસ્ટેસે કહ્યું- હું એક કર્મચારી છું, તમારી નોકર નથી.
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઈન્ડિગોએ પણ ઝડપથી પ્રતિક્રિયા આપી હતી. એરલાઈન્સ અનુસાર, પેસેન્જરે એર હોસ્ટેસ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ઘટના ઈસ્તાંબુલથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટની છે.
જાણો શા માટે ઝઘડો થયો
ખરેખરમાં, આ ઘટના ત્યારે બની જ્યારે કેબિન ક્રૂ યાત્રીઓને ભોજન પીરસી રહ્યો હતો. જેના માટે મુસાફરે સીધી એર હોસ્ટેસની પૂછપરછ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ એર હોસ્ટેસે પેસેન્જરને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને તેને પહેલા નમ્રતાથી વાત કરવા વિનંતી કરી. તે છતાં પેસેન્જરે તેના પર બૂમો પાડવાનું શરૂ કર્યું. તેણે એર હોસ્ટેસ સામે બૂમો પાડીને તેને ચૂપ રહેવા કહ્યું હતું.
એર હોસ્ટેસે પેસેન્જરને કહ્યું કે તમે ક્રૂ સાથે આ રીતે વાત ન કરી શકો. હું તમને સંપૂર્ણ સન્માન સાથે શાંતિથી સાંભળી રહી છું, તમારે ક્રૂ મેમ્બરનું પણ સન્માન કરવું પડશે. તમે મારી સાથે આ રીતે વાત ન કરી શકો. હું પણ અહીંની એક કર્મચારી છું, તમારી નોકર નથી. આ બાબતે યાત્રીએ પૂછ્યું કે તમે કેમ બૂમો પાડી રહ્યા છો. જેનો જવાબ આપતાં તેણે કહ્યું, કારણ કે તમે બુમો પાડી રહ્યા છો. આ દરમિયાન અન્ય ક્રૂ મેમ્બરે દરમિયાનગીરી કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મુસાફર જેની સાથે દલીલ કરી રહ્યો હતો તે ક્રૂ મેમ્બર ટીમ લીડર હતી. જેથી એરલાઈને આ મુદ્દે દરમિયાનગીરી કરવી પડી હતી. એરલાઈન્સે જણાવ્યું કે ફ્લાઈટમાં પેસેન્જર વર્તન બરાબર ન હતું. તેણે એર હોસ્ટેસનું અપમાન કર્યું છે. ઈન્ડિગોએ કહ્યું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. અમારા ગ્રાહકની સગવડ અમારા માટે પ્રથમ અને સર્વોચ્ચ પ્રાથમિકતા છે.