ભાયાવદરમાં સામાન્ય ગાળો બોલવા જેવી નાની વાતમાં છરીના ઘા ઝીંકી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની જાણ થતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાયાવદર ગામમાં પાનની દુકાન ચલાવતા એક શખ્સે દેવીપૂજક સમાજના પ્રમુખ વિનુભાઇ ઉર્ફે વિજુ બચુભાઇ મકવાણા અને તેમના પુત્ર આકાશને હાથમાં છરીના ઘા મારી દેતા સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વાત જાણે એમ છે કે, દેવીપૂજક સમાજના પ્રમુખ પુત્ર સાથે મિત્રને મળવા ગયા હોય, ત્રણેય ચાની મહેફિલ માણી રહ્યા હતા અને કોઇ મુદ્દે મોટેથી ચર્ચા કરી રહયા હતા. જેનો બાજુમાં આવેલી પાનની દુકાન ચલાવતા હિરેન પરમારના શખ્સે ગાળો ન બોલવા વિશે વિરોધ કરતા વાત છરીના ઘી ઝીંકવા સુધી પહોંચી ગઇ હતી. પાન દુકાનધારકે ઉગ્ર બનીને બન્ને પિતા-પુત્રને હાથના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.
બન્નેનેલોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં ઇજા વધુ ગંભીર હોવાની જાણ થતા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સમાજના પ્રમુખ ઉપર છરીથી હુમલો થતા ઘટનાસ્થળે દેવીપૂજક સમાજનું ટોળું ભેગું થઇ ગયું હતું અને ગંભીરતા પારખી જઇ હુમલાખોર સ્વયં પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલીસ હુમલાખોરની આકરી પૂછપરછ ચલાવી રહી છે. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.