ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લંડનસ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીનું કહેવું છે કે ચીનમાં દરરોજ 10 લાખ કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે તેમજ 24 કલાકમાં 5 હજાર મોત થઈ રહ્યાં છે. જો આવી જ સ્થિતિ રહેશે તો જાન્યુઆરીમાં દૈનિક કેસ વધીને 37 લાખ પર પહોંચી જશે, જ્યારે માર્ચમાં આ આંકડો 42 લાખ હશે.
જોકે ચીનના સત્તાવાર આંકડાઓમાં બુધવારે માત્ર 2 હજાર 966 નવા કેસ અને 10 લોકોનાં મોત નોંધાયાં છે. આ પહેલાં એરફિનિટીએ પોતાના અનુમાનમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનમાં ઝીરો કોવિડ પોલિસી ખતમ થયા બાદ 21 લાખ લોકોનાં મોત થઈ શકે છે.
વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 4.92 લાખ કેસ
વિશ્વભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ડેટા પર નજર રાખતી સંસ્થા Worldometers અનુસાર, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 4.92 લાખ કેસ નોંધાયા છે તેમજ કોરોનાને કારણે 1374 લોકોનાં મોત થયાં છે. જાપાનમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1.84 લાખ કેસ નોંધાયા છે. જ્યારે અમેરિકામાં 43263, ફ્રાન્સમાં 49517, બ્રાઝિલમાં 43392, દક્ષિણ કોરિયામાં 75744 કેસ મળી આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 289 લોકોનાં મોત થયાં છે, જ્યારે જાપાનમાં કોરોનાથી 339 લોકોનાં મોત થયાં છે, બ્રાઝિલમાં 165 લોકોનાં મોત થયાં છે.