ગુજરાત વુમન્સ ચેમ્પિયનશિપ 2024ની શરૂઆત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ છે. બિગ બેશ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને સહજાનંદ ફાઉન્ડેશને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના સહયોગથી આયોજિત આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણની ભાવનાની ઉજવણી કરતી વખતે મહિલા ક્રિકેટરોની અસાધારણ પ્રતિભાને સન્માનિત કરવાનો અને તેનું પ્રદર્શન કરવાનો છે. ચીફ ગેસ્ટ અમિત શાહના પત્ની શ્રીમતી. સોનલબેન શાહે ચેમ્પિયનશીપનું ઉદઘાટન કર્યું અને મહિલાઓ માટે રમતગમતમાં વધતી તકોને બિરદાવી. ગેસ્ટ ઓફ ઓનર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCI એપેક્સ કાઉન્સિલના સભ્ય અને અર્જુન એવોર્ડી શુભાંગી કુલકર્ણીએ રમતમાં લિંગ સમાનતાને આગળ વધારવા આવા પ્લેટફોર્મની ભૂમિકા પર ભાર મૂક્યો. 19 નવેમ્બરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 24 નવેમ્બર સુધી યોજાશે.
GCAના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે 'અમને રિક્વેસ્ટ કરી હતી કે અમે આવું આયોજન કરવા માગીએ છીએ. એક સારું પ્લેટફોર્મ પુરું પાડવા માટે GCAએ પણ આ આયોજનમાં ભાગ લીધો છે.' આ ટુર્નામેન્ટ કઈ રીતે મહિલા ક્રિકેટ માટે મહત્ત્વની છે. તેના સવાલના જવાબમાં સેક્રેટરી અનિલ પટેલે કહ્યું કે 'બે વર્ષ અગાઉ શરૂ થયેલી WPLના ફ્રેન્ચાઇઝના સ્કાઉટ્સ પણ હાજર રહેશે.' હવે આ ટુર્નામેન્ટમાં કોણ-કોણ હાજર રહેશે...તે સવાલના જવાબમાં GCAના સેક્રેટરી અનિલ પટેલે કહ્યું હતું કે 'આજના ઓપનિંગ સેરેમનીમાં અર્જુન એવોર્ડી વિનર શુભાંગી કુલકર્ણી હાજર રહ્યાં હતાં. તો ફાઈનલમાં અમારો પ્રયાસ છે કે મિથાલી રાજ પણ હાજર રહેશે અને અન્ય ક્રિકેટર્સ હાજર રહે તેવા પ્રયત્નો છે.' ગુજરાતમાં ભારતીય લેવલે ખૂબ ઓછા ક્રિકેટર્સ આવ્યા છે. તેથી અમારો પ્રયાસ એ જ છે કે વુમન્સ ક્રિકેટમાં ગુજરાતમાંથી વુમન્સ પ્રીમિયર લીગ અને ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં તેઓ રમે. હાલમાં ગુજરાતમાંથી ચેલેન્જર્સ ટ્રોફીમાં 2-3 ક્રિકેટર્સ રમી રહી છે. એટલે અમને અપેક્ષા છે કે તેઓ WPL અથવા ઈન્ડિયન ટીમ તરફથી રમતા જોવા મળે.'