અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફ્લોરિડામાં એક કાર્યક્રમમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા તે સિસ્ટમમાં પાછું જાય જેણે તેને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ પછી તેમણે મીડિયાને જણાવ્યું કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી
ટ્રમ્પે કહ્યું કે આ ત્રણેય દેશ (બ્રાઝિલ, ચીન, ભારત) પોતાના હિત માટે કામ કરી રહ્યા છે, પરંતુ તેનાથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા એક પ્રામાણિક સિસ્ટમ બનાવશે, જે આપણી તિજોરીમાં પૈસા લાવશે અને અમેરિકા ફરીથી ખૂબ સમૃદ્ધ બનશે. આ બધું બહુ જલ્દી થશે.
ટ્રમ્પે કહ્યું કે અન્ય દેશોને અમીર બનાવવા માટે અમારા લોકો પર ટેક્સ લગાવવાને બદલે અમે અમારા લોકોને અમીર બનાવવા માટે અન્ય દેશો પર ટેક્સ લગાવીશું. જો વિદેશી કંપનીઓ ઊંચા ટેરિફથી બચવા માગતી હોય તો તેમણે અમેરિકામાં જ તેમના પ્લાન્ટ સ્થાપવા પડશે.
અમેરિકા ફર્સ્ટના નારાનો પુનરોચ્ચાર કરતા ટ્રમ્પે કહ્યું કે જેમ અન્ય દેશો પર ટેરિફ વધશે તેમ અમેરિકન કામદારો અને ઉદ્યોગો પરના ટેક્સમાં ઘટાડો થશે. આનાથી આપણા દેશમાં મોટી સંખ્યામાં નોકરીઓ અને કારખાનાઓ આવશે.