શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવા લસકાણાના ખરસદ ખાતે પાલિકા 23 હજાર મીટરમાં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવશે. પાલિકાએ સરકાર પાસે જગ્યાની માંગણી કરી છે. જ્યાં 60-60 ફૂટ ના શેડ બનાવી ભાડે થી અપાશે, ચારો-ખોરાક પશુપાલકોએ પુરો પાડવાનો રહેશે એટલું જ નહીં પશુ માટે દવાખાનું બનશે હાલ પીપીપી ધોરણે આપવાનું પ્લાનિંગ છે. રાંદેર, કતારગામ અને સરથાણા ઝોનમાં 3 મોટા ઢોર ડબ્બા પણ બનાવાશે.
શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ન ઉકેલાઈ તે માટે પાલિકા આયોજન કરી રહી છે. પશુઓના સરવે બાદ ટેગિંગ ઝડપથી ચાલી રહ્યું છે. લસકાણા, વરિયાવ, કતારગામમાં રખડતાં ઢોરોને રાખવા વધુ કેપેસિટીના ઢોર ડબ્બાઓ સાકાર કરાશે આ માટે જગ્યા નક્કી કરવામાં આવી રહી છે. સાથે જ મહત્ત્વપૂર્ણ એનિમલ હોસ્ટેલનું આયોજન કરવા સરકાર પાસે જગ્યા માંગવામાં આવી છે. - શાલિની અગ્રવાલ, કમિશનર, પાલિકા